જગમંગલ મુર્તિ અતિ પ્યારી ગુરુ ઇશ્વર કર અવતારી" પ.પુ. સંતશ્રી લાલરામજી મહારાજે ઉકત પંક્તિમાં જેને ઇશ્વરના અવતાર સમા ગણાવ્યા છે અને જેમના પાવનકારી નામ સાથે આજે વાઢાયની ભુમિ પર વિધમાન લગભગ તમામ સંસ્થાઓ જોડાયેલી છે, એવા પુજ્યપાદ બ્રહ્મવિદ્વરિષ્ઠ મહારાજશ્રી ઇશ્વરરામજી હરિહર સંપ્રદાયની સંતપરંપરાના મુકુટ્મણિ છે. જેવુ તેમનુ નામ પવિત્ર અને કલ્યાણકારી છે તેવુ જ તેમનું જીવન પણ પતિતપાવન છે.

વિ. સ. ૧૮૯૫ના આસો સુદ-૨ના પવિત્ર દિને કચ્છમાં અબડાસા તાલુકાના નાનકડા ગામ નાંદરામાં ભાનુશાળી પરીવારમાં માતા કુવરબાઇની કુખેથી મહારાજશ્રી ઇશ્વરરામજીના સ્થૂળ શરીરનો આર્વીભાવ થયો. વિદ્વાન જ્યોતિવેતાઓએ વિધાન કર્યું હતું કે આ બાળક અલૌકિક પુરુષ થશે અને તેઓશ્રીનાં માતા-પિતાએ ઇશ્વરના અનુગ્રહથી તેમને આ પુત્રરત્ન પ્રાપ્ત થયું છે એમ વિચારી તેમનું નામ "ઇશ્વર" પાડયું. તેઓશ્રી બાળપણથી જ ઇશ્વરપરાયણ હતા અને ભજનાનંદી પણ હતા. પિતા હંસરાજ નિર્મળ ર્હદયના ભકત હતા. ખેડૂતનું સાદું જીવન ગાળતા અને આંગણે આવેલા સાધુસંતોની સેવા કરતાં.

મહારાજશ્રી ઇશ્વરદાસજીને ચાર વર્ષની વયે દુષ્કાળ પડતાં માતા-પિતા સાથે જીવનનિર્વાહ અર્થે કચ્છ છોડીને સિંધમાં જવાનું થયું. ત્યાં જુરડા ગામમાં જઇને રહ્યા અને ત્યાજ તેમના માતા-પિતાનો દેહ વિલય થયો. તેઓશ્રીની ફોઇએ તેમને પોતાની પાસે રાખ્યા. બાળપણમાં રેંટ ચલાવતાં તેમના પગ તેમાં આવી જતાં પગે ખોડ આવી અને તેમને અનાયાસે ઇશ્વરે સંસારની ઉપાધિથી મુકત થવાની અનુકૂળતા કરી આપી અને તેઓશ્રીને આનંદ હતો. સંત શ્રે સેવારામજીના શિષ્ય મહાત્મા અરજણદાસજીએ તેમનામા પડેલી અલૌકિક શક્તિને પારખી અને શાસ્ત્રીય અક્ષરોનું લેખન-વાચન અને શબ્દ સાખીનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું.

મહારાજશ્રીનાં ફોઇ તેમજ અન્ય સંબંધીજનો તેમને સાંસારિક સંબંધોમાં બાંધવાની ઇચ્છા રાખે છે એવું જાણીને મહાત્મા અરજનદાસજીએ મહારાજશ્રીને મોહપાશમાં ન બાંધવા અને કચ્છ હમલાપુરીમાં દેવાસાહબના દિવ્યધામમાં જઇ બ્રહ્મવેતા મહાપુરૂષની પાસેથી ગુરુદીક્ષા ગ્રહણ કરી, સાધુ બની સર્જનહાર પરમાત્માનું ભજન કરી, આ મનુષ્યદેહને સફળ કરવા જણાવ્યું. મહારાજશ્રી કચ્છ આવતા કેટલાક મહાત્માઓ સાથે હમલાપુરી પધાર્યા.એ વખતે પુજ્યપાદ મહારાજશ્રી ક્ષેમદાસજીબાવા શ્રી રામસિંહજીના આગ્રહથી ત્યાં રહી તેઓશ્રીને વેદાંતશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા. જેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા પણ " શ્રી પંચદર્શ જેવા વેદાંત વિષયના મોટાં ગ્રંથો જેમને જિહવાગ્રે હતા, એટલુ જ નહિ પરંતુ તેઓ પુર્ણ ભજનાનંદી હતા અને જેમણે પોતાના સ્વરૂપનો હસ્તકમલવત અપરોક્ષ અનુભવ હતો એવા બ્રહ્મવેતા મહાપુરૂષના દર્શન કરી મહારાજશ્રીના બધા મનોરથો એકાએક પુર્ણ થયા. મહારાજશ્રીએ ગુરુ ધારણ કરવા પોતાની ઇચ્છા દર્શાવી. મહારાજશ્રી ક્ષેમદાસજીએ મહારાજશ્રીને પુર્ણ અધિકારી તેમજ પુર્ણ સંસ્કારી જાણી શ્રી ગુરુમંત્ર સહિત ' તત્વમસિ' મહાવાક્યનો ઉપદેશ આપી કૃતાર્ય કર્યા અને તેઓશ્રીનું " ઇશ્વરદાસ" એવુ નામ નિયત કર્યું. ત્યાર બાદ તેઓશ્રી આશ્રમમાં રહીને ગુરુસેવા કરતા અને ત્યાં આવનાર સંતો, મહાત્માઓનીપણ બનતી સેવા કરતા, તેમની નવું શીખી લેવાની જિજ્ઞાસાવૃતિ એટલી તો તીવ્ર હતી કે રસોઇ બનાવતાં બનાવતાં પણ શ્ર્લોકો કંઠસ્થ કરતા અને ગુરુનાં ચરણોમાં બેસીને પણ તત્પરથી વિધ્યા ગ્રહણ કરતા.

મહારાજશ્રીને સંતસેવામાં એટલી બધી પ્રીતિ હતી કે પોતાના પગે ખોડ હોવાના કારણે તેઓ સંતોની સેવા સારી પેઠે કરી શકતા નથી, તેનુ તેમના ર્હદયમા સદૈવ દુ:ખ રહેતુ. જેમના તેઓ પ્રીતિ પાત્ર હતા એવા એક માત્ર સંબંધી તેમના ફોઇનો સ્વર્ગવાસ યતા એમની પાછળ તેમણે ઉત્સવ કર્યો અને સાધુ સંતોને જમાડયા. ત્યાર બાદ મહારાજશ્રી પોતાના ગુરુ સાથી હમલાપુરી છોડી કાનપુર આવીને રહ્યા. ભગવતકથા શ્રવણમાં જેમને અનહદ પ્રીતિ હતી એવા દેવલબાઇ માને ગુરુ ક્ષેમદાસજી કથાનું રસપાન કરાવતા અને તેઓશ્રી બ્રહ્મનિર્વાહ પામ્યાં પછી તેમની આજ્ઞાનુસાર મહારાજશ્રી ઇશ્વરદાસજીએ પણ તેમનો આ કામ ચાલુ રાખ્યો હતો. તેઓ ભજનાનંદી હોવાના કારણે ઘણા સંત મહાત્માઓ તેઓશ્રીના દર્શને આવત અને ત્યા રહીને સત્સંગ કરતા. તેમના ભક્તિના રંગે સમસ્ત ગામનુ વાતાવરણ પણ ભક્તિમય બની ગયુ હતું,

મહારાજશ્રી તેમજ તેમના કાકાગુરુ હરિદાસજી કે જેઓ તે સમયે વાઢાય રહેતા એ બન્ને વચ્ચે પરસ્પરને માટે ઘણો પ્રેમ હતો. એટલે મહારાજશ્રીના કાકાગુરુને જોઇતી વસ્તુઓ કાનપુરથી વાઢાય મોકલી આપતા અને અવારનવાર વાઢાય તેઓશ્રીનાં દર્શને પણ જતા.

મહારાજશ્રીના એક શિષ્ય શામળદાસજી કે જેઓ પાછળથી શામ ભગવાનના નામે ઓળખાયા, તેઓ શરૂઆતમા મહારાજશ્રી ઇશ્વરદાસજી પાસે બેસીને વેદાંતનુ જ્ઞાન મેળવતા. કહેવાય છે કે શરૂઆતમા તેઓશ્રી મંદબુધ્ધીવાળા હતા. પણ ઇશ્વરદાસજી મહારાજના આશિષથી તેમની બુધ્ધિ ખીલી ઊઠી અને તેમને તત્કાળ મહારાજની સ્તુતિ માટે જે દોહરા બનાવ્યા, તે આજે પણ ઇશ્વર આશ્રમમાં મહારાજશ્રીની સ્તુતિ રૂપે ગવાય છે.

મહારાજશ્રી ગુરુના આદેશ અનુસાર મા દેવલબાઇની સેવામા વીસ વર્ષ લગી કાનપુરમા જ રહ્યા અને દેવલબાઇ મા બ્રહ્મલીન થયા. ત્યાર બાદ તેઓ " બહુજનહિતાય" પ્રવૃતિ અને ભક્તિ માટે કચ્છના ગામડે ગામડે વિચરવા લાગ્યા. તેઓશ્રી જ્યા જ્યા પધારતા ત્યા ત્યા ભાવિકજનોને તેમના દર્શન માત્રથી પણ ઘણો જ આનંદ થતો અને તેમનુ જ્યારે એક ગામથી બીજે ગામ પધારવાનુ થતુ ત્યારે શ્રોતાજનોના નેત્રોમાથી પ્રેમાશ્રુઓની ધારા વહેતી. તેઓશ્રીનુ વસ્તૃત્વ પણ એટલુ તો અદભુત અને સુંદર હતુ કે તેઓશ્રીના કથા પ્રવચનમા કેવલ શ્રવણ માત્રથી પણ શ્રોતાજનોની શંકાઓનુ આપોઆપ સમાધાન થઇ જતુ. સજ્જનનો સંગ અને દુર્જનથી દેર રહેવુ એ મહારાજશ્રીન ઉપદેશનો મુખ્ય મુદો હતો. પ્રવાસમા મહારાજશ્રીના અનુક્રમે લાલરામજી, બાપુરામજી, લીલારામજી અને પ્રેમદાસજી એમ ચાર શિષ્યો થયા અને તેઓ પણ શ્રી ગુરુદેવની સેવામા તત્પર રહી તેઓશ્રીની સાથે વિચરતા. સતત પ્રવાસમા રહેતા હોવા છતા મહારાજશ્રીએ બાર મહિનામા એક વખત જનમાષ્ટ્મી પર બાવાશ્રી રામસિહજીના દર્શને હમલાપુરી જવાનો નિયમ રાખ્યો હતો.

કચ્છ અને કચ્છ બહાર ઘણા ગામોનો પ્રવાસ કર્યા બાદ મહારાજશશ્રીને એવુ લાગ્યુ કે " વાઢાયમા રહી એકાતમા ઇશ્વર ભજન કરવા આ શરીરનુ પ્રારબ્ધ છે." એમ ધારી તેઓશ્રી બધાની સાથે પોતાના ગુરુસ્થળે વાઢાય પધાર્યા. ત્યા બીજા પણ મહારાજશ્રીના મુલદાસજી , પ્રેમદાસજી, દયારામજી અને નારાયણદાસજી વગેરે શિષ્યો થયા.

તેઓશ્રી સંતને ઉપદેશ આપતા કહેતા કે, "જપ તપ શીલ સંતોષ ચાર ખેતર ખેડે રિધ્ધિ સિધ્ધિ સંપદા હાલી આવે હેડે"

તેઓની દ્રષ્ટિમા ધર્મ કે સંપ્રદયનો કોઇ ભેદભાવ ન હતો. તેમના માટે તો સમસ્ત વિશ્વ બ્રહ્મમય હતું. તેથી તેઓ કોઇ પણ પંથ કે સંપ્રદાયના સંતોને આવકારતા અને સતકારતા. મહારાજશ્રી પોતાનો મોટા ભાગનો સમય પોતાના ઓરડામા એકાંતમા બેસીને જ પ્રભુભજનમા ગાળતા. સાંજના સમયે તેઓશ્રી કથા-સત્સંગ દ્વારા આશ્રમે આવનાર ભક્તો અને સજજનોને પ્રભુપ્રેમના દિવ્યજ્ઞાનનું રસપાન કરાવી અલૌકિક આનંદ પ્રદાન કરતા.

પુજયપાદ મહારાજશ્રી પોતે સમર્થ હતા તેમજ તેઓશ્રીના શિષ્યો અને સેવકો સંખ્યાબંધ હતા. તો પણ તેમને ગુરુપણાનુ લેશમાત્ર પણ અભિમાન જેવુ ન હતુ, એક વેળા તમના આશ્રમમા પધારેલા એક સ્વામીએ તેમને પ્રેશ્ર્ન કર્યો કે, ' પ્રભુ જેઓ શિષ્ય બનીને પોતાના ગુરુમા શ્રધ્ધા રાખતા નથી તેઓને કેવા દોષ અને પાપ લાગતા હશે ?

ત્યારે તેઓશ્રી કહ્યું કે, " જ્યારે આપણે પોતાને ગુરુ માનીએ ત્યારે જ આની ઉપાધિ અને વિપેક્ષ ઊભો થાય છે. માટે આ મારા શિષ્યો છે અને હું એમનો ગુરુ છુ એમ પોતાને માનવુ જ શા માટે જોઇએ?" એ સાંભળી સ્વામીજીના મનનુ ઘણુ સારુ સમાધાન થઇ ગયુ.

મહારાજશ્રી ના એક સેવક શ્રીમાન વાલજીભાઇએ તેઓશ્રીના કહેવાથી અને પ્રેરણાથી પોણો લાખ કોરીઓનુ દાન તે સમયે એકત્ર કરીને ત્યા જે તળાવ હતુ, તેમા ખાણેતરુ કરાવી તેના ઘાટ બંધાવી, વિ. સં ૧૯૪૮માં પુર્ણ કર્યુ અને તેનુ "ઇશ્વરસાગર" એવુ પાવન નામ આપવામા આવ્યું.

પુજ્યપાદ મહારાજશ્રીના આર્શીવાદથી જે શ્રી સાધ્વી મૈયાજી મંજલગામે શ્રી ગુરુ ઇશ્વરરામજીના નામથી એક કન્યાશાળા અને એક વિધવાશ્રમ ખોલી કન્યાઓને તેમજ કેટલી બહેનોને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે અને પોતાનુ પરોપકારી, સદાચારી અને ઇશ્વર ભજનાનંદી એવુ ઘણુ સાદુ અને સારુ જીવન વ્યતિત કર્યુ છે.

મહારાજશ્રી પ્રત્યેના પ્રેમને કારણે હિંગરિયાના સંતશ્રી હરિદાસજી મહારાજ પણ વાઢાય આશ્રમે પધારતા અને રોકાણ કરતા. તેમણે પોતાના " હાલો હાલો તો વાઢાય હાલીએ રે, મળી સંતોને મહાસુખ માણીએ રે" એ બનાવેલા રાસપધ્યમા પુજ્યપાદ મહારાજશ્રીના પાવન મહિમાનુ ઘણુ સુંદર વર્ણન કરેલુ છે..

પુજ્યપાદ મહારાજશ્રીનો જે હેતુસર મંગલમય અવતાર થયો હતો તે બધુ કામ હવે પુરુ થયુ, કારણ કે જેમણે પ્રવાસે વિચરી અનેક જનોના કલ્યાણ કર્યા અને ત્યાર પછી જેમણે એકાંતમા નિવૃતિપ્રાયણ રહી ઇશ્વરભજન કરવા છતા પણ અનેક જનોના કલ્યાણ કર્યા પછી તો તેઓશ્રી પોતાના શેષ પ્રારબ્ધને જ વ્યતિત કરતા હતા અને પછી તેઓશ્રીની પ્રકૃતિ પણ બરાબર રહેતી નહી. તેઓશ્રીના શરીર છૂટવાનો સમય જ્યારે અતિ સમીપ આવી ગયો ત્યારે તેપ્શ્રી પોતાના શિષ્યોને પાસે બોલાવી કહેવા લાગ્યા કે, આ સંસારમા શરીરથી કોઇ પણ અમર નથી. કારણ કે જેનો ઉદય છે, તેનો અસ્ત છે. આમ હોવાથી જે શરીરનો જન્મ થાય છે તે શરીરનો અંત અવશ્ય નાશ છે. પરંતુ અજરઅમર તો એક જ આનંદરૂપ આત્મા છે કે જે ઉદય અને અસ્તથી રહિત છે. માટે આત્માનો દઢ નિશ્ચય કરી નિરંતર વૃતિને અંતર્મુખ કર્વી અને આત્માનુ અભેદ ચિંતન કરવું. એવી રીતે નિરંતર બ્રમ્હ્યાભ્યાસ કરતા કરતા જ્યારે વૃતિ સંકલ્પ અને વિકલ્પના પ્રદેશથી પસર થાય ત્યારે અજ્ઞાનરૂપ આવરણ દુર થઇ, આત્મારૂપ આત્માનો અપરોક્ષ અનુભવ થાય છે અને મુક્તાવસ્થા પ્રાપ્ત થાય છે. આમ થવાથી જ ભાવના બંધનો તૂટી જાય છે. માટે સંસારના નાશવંત અને બંધન કરનાર એવા તમામ વિષયોથી ઉપરામ રહી જે બને તે આત્મા સંધાનરૂપ ઇશ્વરભજનમા તન્મય રહેવુ, કારણ કે આવો મનુષ્ય દેહ વારંવાર મળતો નથી.

વળી તેઓશ્રી પોતાના બધા શિષ્યોને કહ્યુ કે, "અગ્નિ-સંસ્કાર ન કરતા શરીરને જમીનમી સમાધિ આપજો" એમ કહી તેઓશ્રીએ પોતાના બધા શિષ્યો પર પોતાની અમૃતમય દ્રષ્ટિના અમૃતનુ અંતિમ અભિસિંચન કર્યું અને બધા શિષ્યોને તેઓશ્રી નમસ્કાર કર્યા. પછી વિશ્વમંગલમુર્તિ પુજયપાદ મહારાજશ્રી સંવત ૧૯૫૩મા અષાઢ વદ-૨ને દિવસે પોતાના સ્થૂળ દેહનો ત્યાગ કરી વિદેહ કૈવલ્ય બ્રહ્મનિર્વાણ પામ્યાં.

મહારાજશ્રીના શિષ્યો તેમજ મોટી સંખ્યામા એકત્રીત થયેલ ભાવિકજનો મળીને સ્થૂળ શરીરને પાલખીમા વેસાડી ધુપદીપથી વાજતેગાજતે સરોવરની સમીપ આવ્યા અને જે જગ્યાએ બેસીને ભજન કરવા પુજ્યપાદ મહારાજશ્રીએ ઇચ્છા દર્શાવી હતી તે જગ્યાએ પાલખ રાખી. પછી મતભેદને લીધે તેઓશ્રીના સ્થૂળ શરીરને સમાધિ ન આપતા તેને શ્રીફળ, ચંદનના કાષ્ઠો અને ધ્રુતમા જ અગ્નિસંસ્કાર કરવામા આવ્યો હતો. હવે અગ્નિ પ્રગટ થતા જ ચિતા માથી એક મોટો ભયંકર અવાજ સાંભળવામા આવ્યો હતો. જે અવાજને સાંભળી જેઓ સમાધિ આપવામા સહમત ન હતા, તેમના મનમા એમ થયુ હતુ કે, જો સમાધિ આપવામા આવી હોત, તો ઘણુ સારુ હતુ પણ પછી શુ બની શકે?

હવે કેટલાક સમય પછી પુજ્યપાદ મહારાજશ્રીના મહારાજ લાલરામજી વગેરે શિષ્યોએ ત્યા અન્ય એક નુતન ભવ્ય ' શ્રી ઇશ્વર આશ્રમ' સ્થાપી તેઓશ્રીની ફુલસમાધિ ઉપર એક શિખરબંધ ભવ્ય મંદિર બંધાવ્યુ અને સામે શ્રી શંકરનુ પણ બીજુ એક શિખરબંધ ભવ્ય મંદિર બંધાવ્યું.

શ્રી ગુરુદેવના મંદિરમા તેઓશ્રીના પાવન પગલા સ્થાપિત કરવામા આવ્યા છે અને તેઓશ્રીની એક સુંદર છબી પધરાવવામા આવી છે. એ બંન્ને મંદિરની સવારે અને સાંજે પ્રતિ દિવસ બે વખત પુજા થાય છે અને જ્યા અનેક ભાવિકજનોના મનમા મનોરથ પોતાની માન્યતા પ્રમાણે આજે પણ પુર્ણ થાય છે. શ્રી શિવ સાક્ષાત ગુરુરૂપ છે અને શ્રી ગુરુ પોતે શિવરૂપ જ છે. મુમુક્ષુજનોએ એ બંન્નેમા જરાપણ જુદાઇ જાણવી નહિ.